"હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને" -- બેફામ
IIT કાનપુર ના Computer Science વિભાગ નો lecture hall સંપૂર્ણ પણે ભરાઈ ગયો હતો. વિભાગ ની રજત જયંતી નિમિત્તે વિભાગ ના જુના નવા વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો આવેલા હતા. ફક્ત IIT કાનપુર માં જ નહિ પણ સમગ્ર ભારત માં Computer Science નો પાયો નાખનાર પ્રો.રાજારામન અને પ્રો. મહાબાલા જેવા દિગ્ગજો પધાર્યા હતા.
એક પછી એક જુના વિદ્યાર્થી ઓ અને પ્રાધ્યાપકો ખાટી મીઠી યાદો ને વાગોળી રહ્યા હતા. અને સાથે સાથ અમે અમારા વિભાગ ની ભૂતકાળ ની સફર માણી રહ્યા હતા. એક પછી એક વક્તા પોતાની યાદો નું પોટલું શ્રોતા ઓ સમક્ષ ખુલ્લું મુકે એટલે શ્રોતાઓ પણ એમાં મમરો મુકતા જાય.
ત્યાં જ અચાનક શ્રોતા માં થી એક જાણે બોલવાનું શરુ કર્યું. આમ તો વાંધો બીજો કોઈ ના હતું, પણ મારા માટે તો કાશ્મીરી પુલાવ ખાતા હોઈએ એમાં વચ્ચે કાંકરો આવી જાય એવો અનુભવ થયો. બીજું બધું તો ઠીક, પણ એક વાક્ય માં બીજા શબ્દો ઓછા અને 'like' વધારે વાર હતું. પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ ને તિલાંજલિ આપી અને એને સ્થાને એને 'like ' ને સ્થાપિત કરી દીધું.
"I was like sitting over here and like the teacher was like there and like we used to like ....."
શ્રોતા ઓ માં થી એક વડીલે ઊભા થઇ ને એને સ્ટેજ પર આવી ને બોલવાનું કહ્યું. અને મોહને સ્ટેજ પર આવીને બોલવાનું શરુ કર્યું.
નાનો હતો ત્યાર થી જ મોહન ઘેંટા ચાલ માં જોતરાઈ ગયો. ફક્ત ભારત ની જ નહિ પરંતુ વિશ્વ માં સૌથી કઠણ પરીક્ષાઓ માં જેની ગણના થાય છે, જ્યાં પરીક્ષાર્થીઓ લાખો માં અને નસીબવંતા ઓ ફક્ત સેંકડો માં હોય છે, એવી IIT ની પ્રવેશ પરીક્ષા JEE માં અવ્વલ દરજ્જે આવી ને જેના માટે ગળાકાપ સ્પર્ધા થાય છે એવા IIT કાનપુર ના Computer Science વિભાગ માં પ્રવેશ મેળવ્યો.
IIT માં આવ્યા પછી એક નવી રેસ શરુ થઈ. પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ માટે ની રેસ. ચાર ચાર વર્ષ સુધી IIT ની અગ્નિ પરીક્ષાઓ માં દરેક દરેક વિષય માં જે પૂરે પુરા ૧૦/૧૦ ગુણ મેળવે તે મોરલા (વિરલા ) ના ગળા પર આ ગોલ્ડ મેડલ શોભતો.
"IIT મારા માટે સૌથી સારી વાત એ બની કે પહેલા જ સેમેસ્ટર માં મને ૯.૬/૧૦ મળ્યા અને હું ઘેંટા ચાલ માં થી અલગ થઈ ગયો."
મોહને ખરા અર્થ માં એ પછી ગુણ દેવી ની નહિ પણ જ્ઞાન દેવી ની આરાધના શરુ કરી. પેલા ૩ idiot ના આમીર ખાન ને પણ પાછળ પાડે એવી. પરીક્ષા ની તૈયારી ફક્ત પાસ થવા પુરતું કરતો. બાકી ના સમય માં પ્રોજેક્ટ વગેરે કરી ને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવતો. દીકરો સોના ની ખાણ પર બેઠો હોય પછી કયો બાપ સપના ના સેવે? સરકારી નોકરી કરતા મોહન ના બાપે પોતાનું સપનું દીકરા પર થોપ્યું.
"બેટા, તારે IAS ઓફીસર બનવાનું છે."
"પણ પપ્પા મારે હજી આગળ ભણવું છે. હજી તો મારે નક્કી કરવાનું બાકી છે કે મારે શું કરવું છે. મારા જીવન નું ધ્યેય મને તો નક્કી કરવા દો?"
"આટલું તો ભણ્યો. હવે કેટલુંક ભણવું છે? IAS ઓફીસર થઈ જા એટલે રાજા ની જેમ જીવીશ."
દીકરો બાપ સામે વધુ તો કઈ બોલી ના શક્યો. IAS ની પરીક્ષા આપવા માટે સંમત થઈ ગયો. ફક્ત મન માં એક ગાંઠ વાળી લીધી.
IIT ચોથું વર્ષ. સૌ પોત પોતાની કારકિર્દી ને સજાવવા માં પડ્યા હતા. કોઈક ને મલ્ટીનેશનલ કંપની માં નોકરી મળી હતી તો કોઈ આગળ ભણવા જઈ રહ્યું હતું.
ફોન પર મોહન પોતાના પપ્પા સાથે વાત કરી રહ્યો હતો.
"પપ્પા, મારે આગળ ભણ્યા જવું છે."
"બેટા, તારા ટેબલ પર IAS નો ઓફર લેટર પડ્યો છે. હવે બોલ, શું વિચાર છે તારો?"
મોહન થોડી વાર અટકી ગયો. પછી બોલ્યો, " પપ્પા, મારો હજી એ જ વિચાર છે. અમેરિકા ની Messachusetts Institute of Technology માં મને એડમીશન મળી ગયું છે." જેના દીકરા ને વિશ્વ ની સર્વોત્તમ સંસ્થા માં પ્રવેશ મળ્યો હોય, એ બાપ શું બોલે?
થોડા સમય પછી બીજો સંવાદ.
"પપ્પા, હું ભણવાનું છોડી રહ્યો છું. મને લાગે છે કે મારી મંઝીલ ક્યાંક બહાર છે. મારે દુનિયા નો અનુભવ લેવો છે. પોતાની કંપની શરુ કરવી છે." ના મોહને બાપ પાસે પૈસા માગ્યા કે ના બાપે એને રોકવાની કોશિશ કરી.MIT જેવી સંસ્થા ને લાત મારી ને જતો રહે એને કોણ સમજાવે?
"મારી પાસે IIT કાનપુર ની ડીગ્રી હતી. એટલે દિલ માં પૂરો વિશ્વાસ હતો કે છેલ્લે કઈ નહિ થાય તો મને ક્યાંક સારી નોકરી તો મળી જ જશે. ...." મોહને બોલવાનું ચાલુ રાખ્યું.
મોહને જે કંપની ખોલી, એ ડૂબી ગઈ. બીજી શરુ કરી, એના પણ એ જ હાલ. ત્રીજી પછી ચોથી ...છેલ્લે બદકિસ્મતી મોહન થી થાકી ગઈ. મોહન આજે ભારત ની એક પ્રખ્યાત કંપની નો પાયો નાખનાર અને ભાગીદાર છે.
હું મન માં વિચારી રહ્યો કે જેને 'કાંકરો' સમજતા હોય એ ક્યારેક 'હીરો' પણ હોય છે.
(સત્યઘટના પરથી )