Monday, July 18, 2011

કક્કા ની કવિતા

કક્કા ની કવિતા
--------------

કલરવ કરતો ક બોલિયો 'સૌથી પહેલા હું',
ખોં ખોં કરતો ખખડ્યો ખ 'ભઈ, રે'વા દે ને તું',

ગ એ આખું ગામ ગજાવ્યું, ઘ કરતો ઘૂઘવાટા,
ચ નો ચંચુપાત સાંભળી છ એ ઉડાડ્યા છાંટા,

જોરાવર જ ને જોઈ ઝ ને આવ્યા ઝળઝળિયાં,
ટગર ટગર ટ જોઈ રહ્યો કે ઠ વાવે છે ઠળિયા,


ડ નું ડમરું સાંભળી ને ઢોલ વગાડે ઢ
ફેણ ચડાવી પોલી પોલી ડણક દેતો ણ

તલવાર ચલાવી ત એ એવી થ ના ઉડ્યા થડીયા,
દ કહેતો 'ભઈ, જીતે એ કે જે હો દિલના બળિયા',

ધોધમાર ધ વરસ્યો એવો ન ના ઉડ્યા નળિયા,
પાંખ પ્રસારી પ બેઠો ને શોભ્યા ફ ના ફળિયા

બ કરતો બમ બમ તાનમાં, ભ થઇ ગયો ભમ,
મોળા મોળા મમરાથી મ કરે મોજથી મમ,

યાક ને કનડે ય એની તો ર એ નાખી રાવ ,
લ ની પડી લખોટી ત્યાં કે જ્યાં છે વ ની વાવ,

શંકાશીલ દ્રષ્ટિ એ ભાળે શ ષ નો  ષટકોણ ,
સ નું સસલું, હ નું હરણું જોતા આ તે કોણ ?

ળ ની પાછળ કોઈ ન'તું તો હાથમાં લીધું હળ,
ક્ષુબ્ધ થયો ક્ષ ક્ષણિક્ભર પણ સાચવી લીધી ક્ષણ,

જ્ઞ ને  જ્ઞાન જ્ઞાત ના થયું, એટલે મારી ધાપ,
જો કક્કો ના શીખો "સૌરભ", રહો અંગૂઠાછાપ

--સૌરભ જોષી

No comments: