Thursday, August 15, 2013

ગઝલ : કહેવું પડે

હોઠ ના ખુલ્યા છતાં વાતો થઇ કહેવું પડે
પાંપણો ઢાળી અને રાતો થઇ કહેવું પડે

કોલ સાથે જીવવાના પૂરતાં હોતા નથી
પ્રેમમાં તો સાથમાં મરવું પડે કહેવું પડે

રણ થઇ ગ્યું રાખ કેવી કાળ ઝાળી આગમાં
ઠારવાને ઝાંઝવા ઓછા પડે કહેવું પડે


ખાર રાખે છે સપાટી પર સમંદર તો ઘણો
તોય તેના દિલ મહીં મોતી મળે કહેવું પડે
જોજનોથી દૂર એવી મંઝીલો ને પામવા
એક પગલું તે ભણી ભરવું પડે કહેવું પડે


અજનબી દર્પણ મહીં હું બિંબ મારું જોઉં છું
દાયકાઓ બાદ જાણીતું જડે કહેવું પડે

વંશવેલા ઓ નિભાવે વેરના  જે વારસા
વેરના તે કોઈ ના કારણ મળે કહેવું પડે


નામ ક્યાં લેવાય છે આખી સભા માં આપનું
શ્વાસમાં છે લે બધાં 'સૌરભ' તને કહેવું પડે

--સૌરભ

કાવ્ય : અમીર-ગરીબ

આપના ને આપણા માં ઢગલો છે ફેર,
આપને તો રોજ રોજ ભાણે પકવાન
અને આપણે તો ખીચડી ભૈ ઘેર ...આપના

આપને તો રૂ ના છે મોટામસ ગાદલા
ને આપણે છે કાથી ના ખાટલા
આપને તો ઊંઘ નહિ આવે ગોળી વિના
ને આપણે તો પડતામાં ઢેર ... આપના

સોના-ચાંદી મઢેલ આપને તિજોરી ને
આપણું છે ખાલીખમ  ઝૂંપડું
આપને છે બીક ધાડપાડુ ને ચોરની
ને આપણે શું પડવાનો ફેર ... આપના

કોણ છે અમીર અને કોણ છે ગરીબ
હવે નક્કી કરવાનું છે આપને
નક્કી કરવાની એ ચિંતા તું કર્યા કર
મારે તો છે લીલા લ્હેર ... આપના

 
--સૌરભ