Sunday, July 10, 2011

બહુ દિવસે વરસાદ માં ભીંજાણો...

બહુ દિવસે વરસાદ માં ભીંજાણો...
બળબળતા તડકા ને રેઢો મૂકી ને હું તો રગરગમાં જળ થી સીંચાણો
       બહુ દિવસે ....

ઘેંટાની દોડમાં આખડતા આખડતા જીવ મારો કેવો મૂંઝાણો
બહુ દિવસે...

દોડી દોડી ને હું તો થાક્યો એવો કે મારા જીવને ન થાતો આરામ
કંઈ બાજુ દોડું છું, શા માટે દોડું છું, એનું હું ભૂલી ગયો ભાન
કર્યા આંધળુકિયા એવા કે માયાના પથ્થરમાં જઈને અથડાણો
બહુ દિવસે ...

જોયું ચોમેર તો લાગ્યું એવું કે જાણે ઉંદર ની દોડે જમાત,
પોતામાં રચ્યા છે એવા સૌ સૌ કે પછી બીજા ની કરવી શું વાત?
પાછળ રહી જાઉં તો શું થાશે મારું, એ વાતે અંદરથી ગભરાણો
બહુ દિવસે ....

ગરજાતા વાદળા ને થનગનતા મોરલા એ ફૂંક એવી કાનમાં મારી,
પોરો ખાઈ ને જરા ફેરવ નજર કે તારી આસપાસ દુનિયા છે ન્યારી
આંખો ખુલતાં જ જોયું શીતળતા પ્રસરી ગઈ મસ્તીનો વાયરો મંડાણો
બહુ દિવસે ....

સતરંગી આકાશે ઉડ્યું મન મોકળું, વાદળમાં લખ્યું મેં નામ,
ઉપવનમાં ચોકોરે "સૌરભ" પ્રસરી ગઈ ને સુધરી ગઈ જીવનની શામ,
અલગારી થઇ ગ્યું ને નાચે મસ્તી થી મન, જીવ મારો એવો ધરાણો
બહુ દિવસે .....   

--સૌરભ જોષી
૩૦ જુન ૨૦૧૧

No comments: