હવે ભૂતકાળ કેરા ભવ્યની તું વાત જાવા દે
થયેલા જર્જરિત એ સ્વપ્ન ની તું વાત જાવા દે
સમયની દ્રુત ગતિ ને પ્હોંચવાના વ્યર્થ યત્નોમાં
તું શાને 'આજ' ના રૂપે મળી સોગાત જાવા દે ?
કરેલી ભૂલ નો કરવો જ હો તો કર તું પશ્ચાતાપ
થયેલી ભૂલ કેરો તું હવે સંતાપ જાવા દે
કૈંક ભીના સ્વપ્ન સ્મરણો માં છે સંકોર્યા
હૃદય માં સાચવેલા એક જણ ની વાત જાવા દે
જવાનીના ગુલાબી દિવસોને યાદ કરજે તું
કકળતા એકલા વાર્ધક્યની તું વાત જાવા દે
અહં શેં આટલો જો ત્યાગ કર્યો બે'ક પૈસાનો?
કરેલી દાન આખી જીંદગી ની વાત જાવા દે
એ મારી જીર્ણતા જોઇને મારો ક્યાસ કાઢે છે
બુલંદીમાં વિતાવેલા સમયની વાત જાવા દે
ભલે હું રાખ છું પણ રાખથી બેઠા ફરી થાશું
અમારી જાત પર સંકટનો ઝંઝાવાત જાવા દે
નથી તું આવતો ઉંચો જો તારી જાતમાંથી ત્યાં
અકળ એવા ખુદાને પામવાની વાત જાવા દે
ન કર તું વાત કે જેના મહીં નિંદા તણી બદબૂ
જો કરવી હોય તો 'સૌરભ' તણી તું વાત થાવા દે--સૌરભ જોષી
No comments:
Post a Comment