Wednesday, May 27, 2020

ગઝલ : જેવું કરશો તેવું પામો

જેવું કરશો તેવું પામો એવા શબ્દો ક્યાંક જડે છે
ગ્રહશાંતિ નું નાટક કરતાં આજ પનોતી સાત નડે છે
 
ખારું  પાણી મીઠા અશ્રુ ચાર જ મહિના આભ છે રડતું
બાકીના આઠે મહિના આ ધરતી છાતી-ફાટ રડે છે
 
ખદબદતાં જીવડાં ની વચ્ચે માણસાઈ જો ભીંસાણી છે
જીવતે જીવતાં  અહિયાં માણસ આખે આખો સાવ સડે  છે
 
 
રાજનીતિની સોગઠબાજી રાજકારણી કરતાં રહેતાં 
પ્યાદાં સરખા જીવ આપતાં એવા લશ્કર લાખ લડે છે 
 
 
કોની કહીએ વ્યથા અમારી કોને કહીશું દશા અમારી 
સંબંધોના ટોળા વચ્ચે એકલતાની સાંજ પડે છે 



ચડતી પડતી ચાલ્યા કરતી એમાં દિવસો રાત પડે છે 
જીવન ચક્કર ચાલ્યા કરતું શાને 'સૌરભ' આમ રડે છે
 
 
--સૌરભ જોષી







No comments: