Friday, January 04, 2013

ગઝલ : કદી કોક પત્થર ની ધારે રહી જો

ગઝલ
-------
(મૂળ લગાત્મક સ્વરૂપ : લ ગા ગા લ ગા ગા લ ગા ગા લ ગા ગા )
જો કે અમુક જગ્યા એ 'લ' ને બદલે 'ગા' ની છૂટ લીધી છે .


કદી  કોક પત્થર ની ધારે રહી જો
અને મોતના તું કિનારે રહી જો


ખુદાઈ  મળે ખૂબ સસ્તી અહીં તો
તું ઈન્સાનિયત ની બજારે રહી જો


ઝલક જોવી હો કો ખુદાની જો તારે
ઘડી કોક ભૂલકાં ની હારે રહી જો


નિશાના રુદન ને જો સાંભળવું તારે
કિરણની તું પાંખે સવારે રહી જો


સખાવત ઉપર તારી શ્રદ્ધાય ડગશે 
કદી  કો સખા ની કટારે   રહી જો

વખાણીશ પ્રાણી ની સંગત અહી તું
કદી  કો મનખ ના પનારે રહી જો


બધા લાગશે જીવજંતુ સરીખા
તું વૈરાગ ના કો મિનારે રહી જો


નિયંત્રણ ના યત્નો ને છોડી પછી તું
અહીં  નાખુદા ના સહારે રહી જો

(નાખુદા - આગેવાન, નાવડી નો કપ્તાન. અહીં ઈશ્વર માટે રૂપક અપાયું છે .)

વઈ જાશે પતઝડ ને 'સૌરભ' પ્રસરશે
ચમનની તું કોઈ બહારે રહી જો
                                    -- સૌરભ જોષી