Wednesday, June 08, 2011

એકાદ-બે કવન


(મારો સૌ પ્રથમ છંદ બંધારણ વાળો શેર ..છંદ છે (લ ગા ગા ગા (૪))
દુઆ મારી કબૂલી લે ખુદા તારા જ લાભાર્થે,
સમીક્ષા ના કરે કોઈ ખુદા જો હોય તો ક્યાં છે ?

(નિનાદભાઈ ની રચના ના પ્રતિભાવમાં )
કૈંક રચના ને કવિતા ઓ, કૈંક રૂપાળી ગઝલ,
સમય જાતા જોયું, કોરા કાગળો મળ્યા

(ધ્રુવભાઇ ની રચના ના પ્રતિભાવ માં )
જોઈ મારી સામે દર્પણ આશ્ચર્યથી  જુએ એમ,
એમાં પડઘાતું પ્રતિબિંબ કોઈ અજાણ્યું પ્રાણી જેમ

चढ़ रहा है ज़हर मेरे दिलोदिमाग में,
मेरे अंतर को धीरे धीरे डसता है शहर  


(ભાવેશ ભાઈ ની ગઝલ ના પ્રતિભાવ માં )
મેં એ જોયું, અમીરો ને અહી ક્યાં આંચ આવે છે,
શું ઈશ્વર ની અદાલતમાંય કોઈ લાંચ માગે છે? 


(હેમલ ભાઈ ની ગઝલો ને પ્રતિભાવ તરીકે એમની ગઝલો ના જ બહરમાં)
તારી આંખો ના શમણા વચ્ચે,
ક્યાંક તને હું મળ્યા કરું છું.

મથે છે પામવા કાબુ આ માણસ જાત એ જોઈ,
ઉપર બેઠો ખુદા મારો જુઓ કેવો તો મરકે છે.

(પંકજ ભાઈ ની ગઝલ ના પ્રતિભાવ તરીકે એમની ગઝલ ના જ બહર માં )
ગઝલો ઘણી છે મેં વાંચી ને એમાં,
તમારી ગઝલ ની જમાવટ જુદી છે.

(નિનાદ ભટ્ટ ની રચના ના પ્રતિભાવ માં )
કલમ ને કાગળો થી ફક્ત તું લખતો નથી 'નિનાદ'
વહે છે ભાવના જ્યારે, અરે! ત્યારે લખાય છે

  (પંકજ ભટ્ટની ગઝલ ના પ્રતિભાવમાં)
 આમ 'પંકજ' કાં લખો ગઝલો તમે મક્તા વગર,
 જાણવું મારે છે કોનું રાજ આ કાગળ ઉપર 

 (બંકિમ ભટ્ટ ના  પ્રતિકાવ્ય ના પ્રતિભાવમાં)
 ભગત લખવું બાજુ પર મૂકી ચા જલ્દી મુકો ને ભૈ
 ચાની ચૂસકી લીધા વગર તો બંકિમ ભૈ કઈ લખશે નૈ


 




ઠળિયા વિના નો માણસ

ઠળિયા વિના નો માણસ 
--------------------------------

ભલે ચમકતો ઝાકઝમાળે
તદ્દન પોલો માણસ
ઠળિયા વિના નો માણસ

ફેસબુક માં ગળાબૂડ
સધિયાર  વિના  નો માણસ
ઠળિયા વિનાનો માણસ

કાગળ ના સુંઘે છે ફૂલ
ગુલઝાર વિના નો માણસ
ઠળિયા વિનાનો માણસ

સ્વીમ્મીંગ પૂલ માં ઉંધે કાંધ
દરિયા વિનાનો માણસ
ઠળિયા વિનાનો માણસ

ઊંચા ઊંચા મહેલો વચ્ચે
ફળિયા વિનાનો માણસ
ઠળિયા વિનાનો માણસ

આમ થી તેમ દડકતો જાય
તળિયા વિનાનો માણસ
ઠળિયા વિનાનો માણસ

ખચકાય નહિ એ લેતા જીવ
ઝળઝળિયાં વિના નો માણસ
ઠળિયા વિનાનો માણસ 

ક્યારે થાશે પીએચડી

ક્યારે થાશે પીએચડી
-----------------------

શરુ કરતાં તો કરી દીધી, પતે નહિ આ જલ્દી
એવી મોડી મોડી ખબર પડી, ક્યારે થાશે પીએચડી

શરુ શરુ માં ખુશ થયો, પછી થયો ઉદાસ
છેલ્લે કરી મેં રાડારાડી, ક્યારે થાશે પીએચડી

કેવી સીધી સમજી 'તી મેં, કેવી 'તી મેં ધારી,
આ તો નીકળી અવળી આડી, ક્યારે થાશે પીએચડી 

જેવી તેવી સમજી 'તી મેં , ભૂલ કરી મેં ભારી,
જબરી આ  ભારાડી , ક્યારે થાશે પીએચડી 

માસ્તર મારો એવો, મારેય નહિ ભણાવેય નહિ
કેવી વાટ લગાડી, ક્યારે થાશે પીએચડી

જરાય નહિ એ પાછળ જાતી, જરાય નહિ એ આગળ
અટકી ગઈ મારી ગાડી, ક્યારે થાશે પીએચડી

ખોયું મારું ચેન, ને ખોઈ મન ની શાંતિ,
ખોઈ મેં મારી નીંદરડી, ક્યારે થાશે પીએચડી

ગણતા ગણતા દિવસો ગયા, ગયા મહિનાઓ ભરમાર,
વઈ જશે શું સદી?, ક્યારે થાશે પીએચડી

આંખે મારા ચશ્માં વધ્યા, વધ્યા વાળ સફેદ,
ટાલ હવે તો પડવા માંડી, ક્યારે થાશે પીએચડી

ડોક્ટર ડોક્ટર બનતા બનતા
થઇ ગયો હું દર્દી, ક્યારે થાશે પીએચડી

ક્યારે પેપર પબ્લિશ થાશે, ક્યારે મળે  આઝાદી
ભારેખમ્મ ઊપાધી, ક્યારે થાશે પીએચડી

ગર્દિશ માં પણ કરો પ્રયાસ, રાત પછી જ હોવે છે ઉજાસ,
યત્ની ને જ  મળે છે ખાસ, એવી છે આ પીએચડી 

આ તો છે ભઈ જ્ઞાન ની ગંગા, કડવી તો પણ પીવા જેવી,
કહે 'સૌરભ'  થાઓ ભડવીર, થાવા દેજો પીએચડી

Wednesday, April 20, 2011

એક ટચુકડી પ્રેમ કહાણી

એક ટચુકડી પ્રેમ કહાણી
------------------------------

કહે અણુ ને અણુ,
'હું તને પ્રેમ માં વણું,
ને ચાલ તને હું પરણું,

'અલ્યા ડોબા, અક્કલ છે?,
ભાન છે થોડું ઘણું?

જો મળે અણુ ને અણુ,
તો બંધાય બે નું પારણું,
એક ઊર્જા ને બીજો અણુ,

ઊર્જા હશે તોફાની,
ને એથી ઊંધો અણુ,

હિરોશીમા તો કાંઈ નથી,
ફૂંકાશે બીજું ઘણું,

પરણવું જો હોય મને,
તો એક શરતે પરણું,

જાઈ સુરજદાદા માં,
જ્યાં મળે અણુ ને અણુ,

હું તારા માં મળું,
ને પાથરીએ પ્રકાશ પાથરણું'

-- સૌરભ જોષી

Tuesday, March 29, 2011

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

"હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને"
  -- બેફામ


IIT કાનપુર ના Computer Science વિભાગ નો lecture hall સંપૂર્ણ પણે ભરાઈ ગયો હતો. વિભાગ ની રજત જયંતી નિમિત્તે વિભાગ ના જુના નવા વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો આવેલા હતા. ફક્ત IIT કાનપુર માં જ નહિ પણ સમગ્ર ભારત માં Computer Science નો પાયો નાખનાર પ્રો.રાજારામન અને પ્રો. મહાબાલા જેવા દિગ્ગજો પધાર્યા હતા.

એક પછી એક જુના વિદ્યાર્થી ઓ અને પ્રાધ્યાપકો ખાટી મીઠી યાદો ને વાગોળી રહ્યા હતા. અને સાથે સાથ અમે અમારા વિભાગ ની ભૂતકાળ ની સફર માણી રહ્યા હતા. એક પછી એક વક્તા પોતાની યાદો નું પોટલું શ્રોતા ઓ સમક્ષ ખુલ્લું મુકે એટલે શ્રોતાઓ પણ એમાં મમરો મુકતા જાય. 

ત્યાં જ અચાનક શ્રોતા માં થી એક જાણે બોલવાનું શરુ કર્યું. આમ તો વાંધો બીજો કોઈ ના હતું, પણ મારા માટે તો કાશ્મીરી પુલાવ ખાતા હોઈએ એમાં વચ્ચે કાંકરો આવી જાય એવો અનુભવ થયો. બીજું બધું તો ઠીક, પણ એક વાક્ય માં બીજા શબ્દો ઓછા અને 'like' વધારે વાર હતું. પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ ને તિલાંજલિ આપી અને એને સ્થાને એને 'like ' ને સ્થાપિત કરી દીધું.

"I was like sitting over here and like the teacher was like there and like we used to like ....."

શ્રોતા ઓ માં થી એક વડીલે ઊભા થઇ ને એને સ્ટેજ પર આવી ને બોલવાનું કહ્યું. અને મોહને સ્ટેજ પર આવીને બોલવાનું શરુ કર્યું.


નાનો હતો ત્યાર થી જ મોહન  ઘેંટા ચાલ માં જોતરાઈ ગયો. ફક્ત ભારત ની જ નહિ પરંતુ વિશ્વ માં સૌથી  કઠણ પરીક્ષાઓ માં જેની ગણના થાય છે, જ્યાં પરીક્ષાર્થીઓ લાખો માં અને નસીબવંતા ઓ ફક્ત સેંકડો માં હોય છે, એવી IIT ની પ્રવેશ પરીક્ષા JEE માં અવ્વલ દરજ્જે આવી ને જેના માટે ગળાકાપ સ્પર્ધા થાય છે એવા IIT કાનપુર ના Computer Science વિભાગ માં પ્રવેશ મેળવ્યો. 

IIT માં આવ્યા પછી એક નવી રેસ શરુ થઈ. પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ માટે ની રેસ.  ચાર ચાર વર્ષ સુધી IIT ની અગ્નિ પરીક્ષાઓ માં દરેક દરેક વિષય માં જે પૂરે પુરા ૧૦/૧૦ ગુણ મેળવે તે મોરલા (વિરલા ) ના ગળા પર આ ગોલ્ડ મેડલ શોભતો. 

"IIT મારા માટે સૌથી સારી વાત એ બની કે પહેલા જ સેમેસ્ટર માં મને ૯.૬/૧૦ મળ્યા અને હું ઘેંટા ચાલ માં થી અલગ થઈ ગયો." 

મોહને ખરા અર્થ માં એ પછી ગુણ દેવી ની નહિ પણ જ્ઞાન દેવી ની આરાધના શરુ કરી. પેલા ૩ idiot ના આમીર ખાન ને પણ પાછળ પાડે એવી. પરીક્ષા ની તૈયારી ફક્ત પાસ થવા પુરતું કરતો. બાકી ના સમય માં પ્રોજેક્ટ વગેરે કરી ને પ્રેક્ટીકલ જ્ઞાન  મેળવતો. દીકરો સોના ની ખાણ પર બેઠો હોય પછી કયો બાપ સપના ના સેવે? સરકારી નોકરી કરતા મોહન ના બાપે પોતાનું સપનું દીકરા પર થોપ્યું.

"બેટા, તારે IAS  ઓફીસર બનવાનું છે."
"પણ પપ્પા મારે હજી આગળ ભણવું છે. હજી તો મારે નક્કી કરવાનું બાકી છે કે મારે શું કરવું છે. મારા જીવન નું ધ્યેય મને તો નક્કી કરવા દો?"
"આટલું તો ભણ્યો. હવે કેટલુંક ભણવું છે? IAS ઓફીસર થઈ જા એટલે રાજા ની જેમ જીવીશ."

દીકરો બાપ સામે વધુ તો કઈ બોલી ના શક્યો. IAS ની પરીક્ષા આપવા માટે સંમત થઈ ગયો. ફક્ત મન માં એક ગાંઠ વાળી લીધી.

IIT ચોથું વર્ષ. સૌ પોત પોતાની કારકિર્દી ને સજાવવા માં પડ્યા હતા. કોઈક ને મલ્ટીનેશનલ કંપની માં નોકરી મળી હતી તો કોઈ આગળ ભણવા જઈ રહ્યું હતું. 

ફોન પર મોહન પોતાના પપ્પા સાથે વાત કરી રહ્યો હતો.
"પપ્પા, મારે આગળ ભણ્યા જવું છે."

"બેટા, તારા ટેબલ પર IAS નો ઓફર લેટર પડ્યો છે. હવે બોલ, શું વિચાર છે તારો?"
મોહન થોડી વાર અટકી ગયો. પછી બોલ્યો, " પપ્પા, મારો હજી એ જ વિચાર છે. અમેરિકા ની Messachusetts Institute of Technology માં મને એડમીશન મળી ગયું છે." જેના દીકરા ને વિશ્વ ની સર્વોત્તમ સંસ્થા માં પ્રવેશ મળ્યો હોય, એ બાપ  શું બોલે?

થોડા સમય પછી બીજો સંવાદ.
"પપ્પા, હું ભણવાનું છોડી રહ્યો છું. મને લાગે છે કે મારી મંઝીલ ક્યાંક બહાર છે. મારે દુનિયા નો અનુભવ લેવો છે. પોતાની કંપની શરુ કરવી છે."  ના મોહને બાપ પાસે પૈસા માગ્યા કે ના બાપે એને રોકવાની કોશિશ કરી.MIT  જેવી સંસ્થા ને લાત મારી ને જતો રહે એને કોણ સમજાવે?


"મારી પાસે IIT કાનપુર ની ડીગ્રી હતી. એટલે દિલ માં પૂરો વિશ્વાસ હતો કે છેલ્લે કઈ નહિ થાય તો મને ક્યાંક સારી નોકરી તો મળી જ જશે. ...." મોહને બોલવાનું ચાલુ રાખ્યું.

મોહને જે કંપની ખોલી, એ ડૂબી ગઈ.  બીજી શરુ કરી, એના પણ એ જ હાલ. ત્રીજી પછી ચોથી ...છેલ્લે બદકિસ્મતી મોહન થી થાકી ગઈ. મોહન આજે ભારત ની એક પ્રખ્યાત કંપની નો પાયો નાખનાર અને ભાગીદાર છે.

હું મન માં વિચારી રહ્યો કે જેને 'કાંકરો' સમજતા હોય એ ક્યારેક 'હીરો' પણ હોય છે.

(સત્યઘટના પરથી )

Sunday, December 05, 2010

Nice poem by Amar Palanpuri

આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….

Saturday, December 04, 2010

ગની દહીંવાલા ની રચના

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
- ગની દહીંવાલા

Friday, November 12, 2010

ગની દહીંવાલા ની રચના

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…
સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…
પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.
પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.
- ગની દહીંવાળા

Monday, November 08, 2010

Tools for teaching programming

Hi,
     I read a couple of articles at linux journal. Two programming environment, especially meant to teach programming in a very interesting way. Namely, Alice and Scratch. The reviews at Linux Journal are here and here.

Tuesday, November 02, 2010

Fatal Attraction

Well,
don't get any ideas from the title. This title is given to an incredible chess game that happened between Edward Lasker and George Alan Thomas. Here is the link. Observe, how every move after the Queen sacrifice is forced :-)