Monday, February 11, 2013

બચપણ

બચપણ ની યાદો ને તાજી કરી લઉં
ફરી થોડી મસ્તી હું પાછી કરી લઉં

ગારાના લાડુ ને સુકવી ફરી થી
ગોલંદાજી ની હું લડાઈ લડી લઉં

ટૂંકી પહેરી ચડ્ડી ને ધાબે ચડી ને
પ્રથમ વર્ષા ને આજ બાથે ભીડી લઉં

રમું ધૂળ માં મેલ થી બેફીકર થઇ
બનું રાજા માટી નો કિલ્લો કરી લઉં

થયા હાથ ગંદા જે ધૂળમાં રમીને
છુપાઈ ને ચડ્ડી ની પાછળ લુછી લઉં


છુપાયા જે ભેરુ ગણતરી ના વાંકે
હવે ગોતી કાઢી ને 'થપ્પો' કરી દઉં

ડરાવે જો ભઈલો  તો ધમકાવું એને
રખે તારી મમ્મી ને ચાડી કરી દઉં

પડે દુખ જો થોડું ફરી ખુલ્લા દિલથી 
થઇ બેફીકર પોક મૂકી રડી લઉં

મમ્મી ની સાડી ના પાલવ થી મારી
ભીની આંખો પાછી હું છાની કરી લઉં

મમ્મી ના ખોળા  માં માથું મૂકી ને
'સભુ' નાનો થઇ ને હું આંખો મીંચી દઉં